ગાંધી વિચાર અને ભારતીય જ્ઞાન પરંપરાના પ્રત્યક્ષ અનુભવ સાથે શૈક્ષણિક મુલાકાત
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના એલ.એલ.એમ. સેમેસ્ટર–૩ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સંસ્થાઓની રૂબરૂ મુલાકાતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મુલાકાતોનો હેતુ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનથી આગળ લઈ જઈ સમાજ, સંસ્કૃતિ, ભારતીય જ્ઞાનપરંપરા અને માનવ મૂલ્યોના વ્યવહારુ પાસાઓનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો છે.
આ શૈક્ષણિક પ્રવૃત્તિ અંતર્ગત તા. ૧૪/૦૮/૨૦૨૬, શુક્રવારના રોજ રાજકોટ ખાતે આવેલી બે મહત્વપૂર્ણ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રથમ સવારે ૮:૦૦ કલાકે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે ગાંધી મ્યુઝિયમ, રાજકોટ ખાતે શૈક્ષણિક મુલાકાત યોજાઈ હતી.
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને આશ્રમ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય અને સમાજોપયોગી પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ પરિચય મળ્યો હતો. સમાજસેવા, માનવ સેવા અને મૂલ્યઆધારિત જીવનના વિવિધ પાસાઓને નજીકથી સમજવાની વિદ્યાર્થીઓને તક મળી હતી. સાથે સાથે ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં વેદ, વેદાંત તથા ભારતીય જ્ઞાનપ્રણાલી વિશે પણ માહિતીસભર ચર્ચા કરવામાં આવી હતી. આશ્રમના અધ્યક્ષશ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી સાથેની મુલાકાત અને સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય દર્શન, આધ્યાત્મિક વિચારધારા તથા જ્ઞાનપરંપરા અંગે વધુ ઊંડાણપૂર્વક સમજ મેળવવાની તક મળી હતી.
આ મુલાકાતનો બીજો મહત્વપૂર્ણ પડાવ ગાંધી મ્યુઝિયમ, રાજકોટ રહ્યો હતો. અહીં વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને ગાંધીયન ફિલોસોફીનો પ્રત્યક્ષ પરિચય મળ્યો હતો. સત્ય, અહિંસા, માનવતા, સ્વાવલંબન, સામાજિક સમાનતા અને નૈતિક જવાબદારી જેવા ગાંધીજીના વિચારોને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્ય સાથે સાંકળીને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માનવ અધિકારો અને સામાજિક ન્યાયના અભ્યાસ સાથે ગાંધીજીના વિચારોના આંતરસંબંધને સમજવા માટે આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપયોગી રહી હતી.
આ બંને મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓને એક તરફ ભારતીય જ્ઞાનપરંપરા અને સેવાભાવના મૂલ્યોનો પ્રત્યક્ષ અનુભવ થયો, તો બીજી તરફ ગાંધીયન વિચારધારા અને માનવકેન્દ્રી સામાજિક દૃષ્ટિકોણને સમજવાની તક મળી. આમ, સમગ્ર મુલાકાત માત્ર પ્રવાસ પૂરતી સીમિત ન રહેતા જ્ઞાન, મૂલ્યશિક્ષણ, માનવતા અને સમાજસેવાના વિવિધ આયામોને સમજાવતી શૈક્ષણિક પ્રવૃત્તિ બની રહી હતી.
આ સમગ્ર મુલાકાત દરમિયાન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા તથા ભવનના અધ્યાપક શ્રી સાગરભાઈ અમીપરા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભવનના પીએચ.ડી. સંશોધક શ્રી ચિંતનભાઈ શકોરિયા દ્વારા સમગ્ર મુલાકાતનું સંચાલન કરવામાં આવ્યું હતું તથા બંને સ્થળોએ વિદ્યાર્થીઓને સંબંધિત વિષયોની પૃષ્ઠભૂમિ, મહત્વ અને શૈક્ષણિક ઉપયોગિતા અંગે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો દ્વારા ભવનના વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા, ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યેની સમજ, સમાજસેવા પ્રત્યેનો અભિગમ અને મૂલ્યઆધારિત વિચારસરણી વિકસે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડતી આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા અભ્યાસક્રમને વ્યવહારુ, અનુભવલક્ષી અને સમાજોપયોગી બનાવવાના હેતુથી આવી પ્રવૃત્તિઓ સતત યોજવામાં આવી રહી છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીના મૂલ્યો પણ આત્મસાત કરી રહ્યા છે.