૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનની ઉત્સાહભેર ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કેમ્પસ ખાતે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર કાયદા ભવનના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકગણ દ્વારા વિશેષ ઉપસ્થિતિ નોંધાવી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી તથા સમગ્ર પરિસરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સ્વાતંત્ર્ય દિવસના આ પાવન અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ઉત્પલ જોશી સાહેબ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા ઉપસ્થિત સૌને સંબોધન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે દેશ અને શિક્ષણક્ષેત્રની પ્રગતિ, યુવાનોની જવાબદારી તથા રાષ્ટ્રનિર્માણમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી દેશના રાષ્ટ્રીય પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી હતી. મીઠાઈ વિતરણ સાથે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર સંપન્ન થયો હતો.
આ પ્રસંગે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માંજરીયા, અધ્યાપક શ્રી ડૉ. રાજેશભાઈ દવે, અધ્યાપક શ્રી સાગરભાઈ અમીપરા તથા Ph.D. સંશોધક શ્રી ચિંતન શકોરિયા સહિત ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનવ અધિકાર, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને માનવ ગૌરવના મૂલ્યો સાથે સંકળાયેલા ભવન માટે સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી વિશેષ મહત્વ ધરાવે છે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બનીને રાષ્ટ્રપ્રેમ, બંધારણીય મૂલ્યો અને જવાબદાર નાગરિકત્વની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલ આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાષ્ટ્રભક્તિ, એકતા અને શૈક્ષણિક પ્રગતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.