બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર–સેન્ટર દ્વારા નવમી રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા તા.૦૬ /૧૨/૨૦૨૫ના રોજ યોજાઈ ગઈ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ડૉ. આંબેડકરજીના ૬૯માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે તા.૦૬/૧૨/૨૦૨૫ના રોજ નવમી રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
સવારના ૯.૦૦ વાગ્યે યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શનલ બિલ્ડિંગ ખાતે બાબાસાહેબની પ્રતિમાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલસચિવ ડૉ. મનીષભાઈ ધામેચાએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા. ત્યારબાદ સ્પર્ધામાં હાજર વિદ્યાર્થીઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ચેર–સેન્ટરના ચેરમેન પ્રો. રાજાભાઈ એન. કાથડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને ચેર–સેન્ટરની સલાહકાર સમિતિના સભ્ય પ્રો. મનીષભાઈ શાહ, હિન્દી ભવનના અધ્યક્ષ અને સલાહકાર સમિતિના સભ્ય પ્રો. બી. કે. કલાસવા, પરીક્ષા વિભાગના ઓ.એસ.ડી. નિલેશભાઈ સોની તેમજ કેમ્પસના શૈક્ષણિક–બિનશૈક્ષણિક સ્ટાફ, ચેર–સેન્ટરના કર્મચારીઓ, શાળા–કોલેજોના શિક્ષકો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
નિબંધલેખન સ્પર્ધાના પ્રારંભે માનનીય કુલસચિવ ડૉ. મનીષભાઈ ધામેચાએ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.
ત્રણેય સ્તર પર યોજાયેલી નિબંધલેખન સ્પર્ધામાં કુલ ૨૩૮ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૫૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાં
-
- ઉચ્ચ પ્રાથમિક કક્ષામાં ધોરણ ૬ થી ૮ સુધી "મારા પ્રિય મહાનાયક ડૉ. આંબેડકરજી" વિષય પર ૩૭ વિદ્યાર્થીઓ,
- માધ્યમિક–ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં ધોરણ ૯ થી ૧૨ સુધી "શિક્ષાના પ્રેરણા પુંજ: ડૉ. આંબેડકર" વિષય પર ૧૦૩વિદ્યાર્થીઓ
- કોલેજથી પીએચ.ડી. કક્ષામાં "ડૉ. આંબેડકરનું રાજનૈતિક દર્શન" વિષય પર ૯૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્રણેય સ્તરે પ્રથમ પાંચ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂપિયાનું ૧૦,૦૦૦, ૫,૦૦૦, ૩,૦૦૦, ૨,૦૦૦ અને ૧,૦૦૦ ભીમપ્રજ્ઞા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ઉપરાંત આ તમામ વિજેતાઓને ચેર–સેન્ટર દ્વારા આગામી સમયમાં યોજનાર રાષ્ટ્રીય સેમિનારમાં ભીમપ્રજ્ઞા એવોર્ડ પણ અપાશે.
વિશેષ નોંધનીય છે કે કુલ ૧૫ વિજેતાઓમાંથી ૧૪ બહેનોએ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જે બાબાસાહેબના મહિલા સશક્તિકરણ અને સામાજિક સમરસતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, આણંદ, બારડોલી અને દાહોદ સહિત વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૩૭ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે કેશોદ સરકારી કોલેજના ગુજરાતી વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક અને ભીમરત્ન એવોર્ડ વિજેતા ડૉ. નાથાલાલ યુ. ગોહિલ, માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના પ્રો. ઇરોસ વાજા અને સરતાનપર પ્રાથમિક શાળાના શ્રી જેન્તીલાલ એમ. ચૌહાણે ફરજ બજાવી હતી.
કાર્યક્રમની સફળતા માટે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ ચેર–સેન્ટરના ચેરમેન પ્રો. આર. એન. કાથડ, ડૉ. રવિ ધાનાણી (સંશોધન અધિકારી), મુલાકાતી પ્રાધ્યાપક ડૉ. વીનેશ બામણિયા, ડૉ. કાંતિભાઈ કાથડ અને મિલનભાઈ વઘેરાએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
https://www.facebook.com/share/p/17xCY2aC4x/
https://youtu.be/W_PO5I0NZBE