17/212 “ડૉ. આંબેડકરની વિકસિત ભારત અંગેની પરિકલ્પના” વિષય પર વિશેષ વ્યાખ્યાન-2026-27

17/212  “ડૉ. આંબેડકરની વિકસિત ભારત અંગેની પરિકલ્પના” વિષય પર વિશેષ વ્યાખ્યાન-2026-27

રાજકોટ: બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ ડૉ. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગતડૉ. આંબેડકરની વિકસિત ભારત અંગેની પરિકલ્પના” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તથા બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટરની સલાહકાર સમિતિના સદસ્ય પ્રો. દીપકભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને કાર્યક્રમની રૂપરેખા અને વિષય અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી તથા ઉપસ્થિત વક્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારાડૉ. આંબેડકરની વિકસિત ભારત અંગેની પરિકલ્પના” વિષય પર વિસ્તૃત અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે ડૉ. આંબેડકરના વિચારોના સંદર્ભમાં શિક્ષણ, સામાજિક સમાનતા, આર્થિક ન્યાય, ઔદ્યોગિક વિકાસ, બંધારણીય લોકશાહી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને માનવ ગૌરવ જેવા વિવિધ પાસાઓની વિગતવાર ચર્ચા કરી હતી.

ડૉ. ધાનાણીએ જણાવ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિકસિત ભારતની પરિકલ્પના માત્ર આર્થિક પ્રગતિ સુધી મર્યાદિત નહોતી, પરંતુ સમાજના દરેક વર્ગને સમાન તક, અધિકાર અને ગૌરવ પ્રાપ્ત થાય તથા સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાય આધારિત સમાજવ્યવસ્થાનું નિર્માણ થાય તે તેમની રાષ્ટ્રનિર્માણની વ્યાપક દૃષ્ટિનો મહત્વપૂર્ણ ભાગ હતો.

વ્યાખ્યાન દરમિયાન ડૉ. આંબેડકરના શિક્ષણ અંગેના વિચારો, વંચિત અને શોષિત વર્ગોના ઉત્થાન માટેના તેમના પ્રયાસો, આર્થિક અને ઔદ્યોગિક નીતિ અંગેની તેમની દૃષ્ટિ તથા બંધારણીય લોકશાહીના માધ્યમથી સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવાના તેમના વિચારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટરની વિવિધ શૈક્ષણિક, સંશોધનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ચેર–સેન્ટર દ્વારા ડૉ. આંબેડકરના જીવન, કાર્ય અને વિચારોને વિદ્યાર્થીઓ, સંશોધકો તથા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે આયોજિત કરવામાં આવતા વ્યાખ્યાન, પરિસંવાદ, સંશોધન પ્રવૃત્તિઓ, શૈક્ષણિક કાર્યક્રમો તથા જનજાગૃતિના કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ચેર–સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડૉ. વિનેશભાઈ બામણિયા દ્વારામહિલા સશક્તિકરણમાં ડૉ. આંબેડકરની ભૂમિકા” વિષય પર મહત્વપૂર્ણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે ડૉ. આંબેડકરના મહિલા અધિકારો, સ્ત્રી શિક્ષણ, લિંગ સમાનતા, કાયદાકીય સુરક્ષા તથા મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ અંગેના વિચારો પર પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને મહિલાઓને સમાન અધિકારો, સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન પ્રાપ્ત થાય તે માટે ડૉ. આંબેડકરે કરેલા સામાજિક અને કાયદાકીય પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ જ્ઞાનપ્રદ, વિચારપ્રેરક અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક રહ્યો હતો. કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિતોને ડૉ. બાબાસાહેબ આંબેડકના રાષ્ટ્રનિર્માણ, સામાજિક ન્યાય, સમાનતા, મહિલા સશક્તિકરણ અને વિકસિત ભારત અંગેના વિચારોને સમજવાની મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ હતી.

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં ડૉ. આંબેડકરના બંધારણીય અને સામાજિક વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ જેવા લોકશાહી મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

https://www.facebook.com/share/p/1D6PFYfrgc/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-08-2026