તૃતીય ભીમરત્ન એવોર્ડ : ૨૦૨૫-૨૬ શ્રી કિશોરભાઈ કરશનભાઈ મકવાણાને ૧૧ માર્ચ ૨૦૨૬નાં રાષ્ટ્રીય સેમીનારમાં એવોર્ડ અર્પણ.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમતામૂલક સમાજના મહાન સ્વપ્નને સાકાર કરવા માટે તેમના જીવનદર્શન, વિચારો અને મૂલ્યોને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડતા વિદ્વાનો, વિદુષીઓ અને સમાજચિંતકોને પ્રોત્સાહિત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે સ્થપાયેલ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા વર્ષ ૨૦૨૩થી રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત “ભીમરત્ન એવોર્ડ” અર્પણ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે તૃતીય ભીમરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.
ભારતભૂમિની વિશેષતા એ રહી છે કે સદીઓથી અનેક મહાન પુરુષોએ પોતાના કાર્ય અને ચિંતન દ્વારા ભારતીય સમાજજીવનને સુવ્યવસ્થિત બનાવ્યું છે. ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાના વિચાર અને કાર્ય દ્વારા સમાજમાં વિશાળ પરિવર્તન લાવ્યું હતું. સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રોમાં તેમનું વિશાળ પ્રદાન રહ્યું છે. તેમના આ વિચારોને સમાજ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
ચેરની માર્ગદર્શિકા મુજબ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ડૉ. આંબેડકરના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાબાસાહેબ ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ ૬ ડિસેમ્બર ૨૦૧૬થી આ ચેર-સેન્ટર કાર્યરત છે. આ ચેર-સેન્ટર દ્વારા સમાજના વિદ્વાનો, લેખકો, અધ્યાપકો અને સંશોધકોને તેમના ઉત્તમ કાર્ય બદલ “ભીમરત્ન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવે છે.
ડૉ. આંબેડકરના જીવન, કૃતિત્વ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે વિશેષ યોગદાન આપનાર તથા ચેર-સેન્ટરના ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરનાર અનુસૂચિત જાતિના વિદ્વાનો, અધ્યાપકો, ચિંતકો, લેખકો અને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપતા સામાજિક કાર્યકરોને આ એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમાજમાં સમાનતા, સમરસતા અને બંધુત્વના મૂલ્યોના પ્રચાર માટે કાર્યરત વ્યક્તિઓને આ સન્માન દ્વારા રાષ્ટ્રોત્થાન માટે પ્રેરણા આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત માનનીય કુલપતિશ્રી દ્વારા નિયુક્ત પસંદગી સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તાર અથવા ગુજરાત રાજ્યમાંથી એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. રાજ્ય કક્ષાના આ એવોર્ડ માટે પસંદ થયેલ વ્યક્તિને રૂપિયા ૨૫,૦૦૦/-ની સન્માનનિધિ, મોમેન્ટો, પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવે છે.
ભીમરત્ન એવોર્ડ માટેની પસંદગી સમિતિમાં નીચે મુજબના સભ્યો હોય છે:
1. માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
2. ચેર-સેન્ટરની સલાહકાર સમિતિમાંથી માનનીય કુલપતિશ્રી દ્વારા નિયુક્ત એક સભ્ય
3. સૌરાષ્ટ્ર વિસ્તારના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર અનુસૂચિત જાતિના પ્રતિનિધિમાંથી માનનીય કુલપતિશ્રી દ્વારા નિયુક્ત એક સભ્ય
4. નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, બહુમાળી ભવન, રાજકોટ
આ એવોર્ડ માટે કોઈ અરજી કરવાની નથી તેમજ કોઈ ભલામણ પણ સ્વીકારવામાં આવતી નથી. પસંદગી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લામાંથી, છેલ્લા દસ વર્ષ દરમિયાન ડૉ. આંબેડકરના સમતા, સમરસતા અને બંધુત્વના વિચારોને સમાજમાં પ્રસરાવનાર વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે.
તૃતીય ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક ગત તારીખ ૦૭.૦૩.૨૦૨૬ના રોજ કુલપતિશ્રી, પ્રો.ઉત્પલ જોશીના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના બેઠક ખંડમાં યોજાઈ ગઈ, શ્રી કિશોરભાઈ કરશનભાઈ મકવાણાને
“તૃતીય ભીમરત્ન એવોર્ડ માટે ડૉ. આંબેડકરના સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના દર્શનને પોતાના વક્તવ્ય, કાર્ય અને લેખન દ્વારા સમાજમાં પ્રસરાવનાર માનનીય શ્રી કિશોરભાઈ મકવાણાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો અવસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રાપ્ત થયો છે.”- કુલપતિશ્રી પ્રો. ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
“ડૉ. આંબેડકરના વિચારોને સમગ્ર સમાજમાં સકારાત્મક રીતે પહોંચાડવા માટે શ્રી કિશોરભાઈ મકવાણાએ કરેલું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એવોર્ડ તેમના સામાજિક ઉત્તરદાયિત્વ અને યોગદાનનું સન્માન છે.” - ‘ભીમરત્ન’ પ્રો. નાથાલાલ ગોહિલ
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમતામૂલક સમાજના મહાન સ્વપ્નને સાકાર કરવા માટે તેમના જીવનદર્શન, વિચારો અને મૂલ્યોને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડતા વિદ્વાનોને સન્માનિત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડૉ. આંબેડકર ચેર સેન્ટર દ્વારા વર્ષ ૨૦૨૫નો રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત “ભીમરત્ન એવોર્ડ” માનનીય શ્રી કિશોરભાઈ કરશનભાઈ મકવાણાને અર્પણ કરવામાં આવે છે.
શ્રી કિશોરભાઈ મકવાણાનો જન્મ તા. ૧ મે ૧૯૬૫ના રોજ ગુજરાતના ધોળકા ખાતે થયો હતો. તેમણે મનોવિજ્ઞાન વિષયમાં એમ.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન, વિચારધારા અને દર્શનનો ઊંડો અભ્યાસ કરીને તેને સમાજના વિવિધ વર્ગોમાં પહોંચાડનારા અગ્રણીઓમાં શ્રી કિશોરભાઈ મકવાણાનું નામ આગવું સ્થાન ધરાવે છે. તેઓ બાબાસાહેબના વિચારો સાથે સ્વામી વિવેકાનંદના માનવતાવાદી અને રાષ્ટ્રવાદી દર્શનના પણ અભ્યાસુ છે. સામાજિક ન્યાય, સમાનતા અને સમરસતા જેવા વિષયો પર તેઓ વર્ષોથી સતત લેખન અને વક્તવ્ય દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવતા રહ્યા છે.
પત્રકારત્વ ક્ષેત્રે પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ દૈનિક દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં “સોશિયલ નેટવર્ક” કોલમના લોકપ્રિય કોલમિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિક લાહોર બસયાત્રા દરમિયાન તેમણે પત્રકાર તરીકે લાહોરની મુલાકાત લીધી હતી. ઉપરાંત પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન, મોરિશસ અને ભૂતાન જેવા દેશોની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનુભવ મેળવ્યો છે.
તેઓ ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના પૂર્વ તંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. ઉત્તમ પત્રકારત્વ અને સામાજિક સમરસતા માટેના તેમના યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે પ્રાપ્ત નચિકેતા પુરસ્કાર, નેપાળ બૌદ્ધ ઈન્ટરનેશનલ મિશનનો તથાગત પુરસ્કાર, પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્ય પુરસ્કાર તથા ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ પુરસ્કાર સમાવેશ પામે છે.
લેખન ક્ષેત્રે પણ શ્રી કિશોરભાઈ મકવાણાએ નોંધપાત્ર કાર્ય કર્યું છે. બાબાસાહેબ ડૉ. આંબેડકરના જીવન અને વિચારધારાને સમાજ સુધી પહોંચાડવા માટે તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમના બાબાસાહેબ વિષયક ચાર મહત્વપૂર્ણ ગ્રંથો-
• “ડૉ. આંબેડકર વ્યક્તિ દર્શન”
• “ડૉ. આંબેડકર જીવન દર્શન”
• “ડૉ. આંબેડકર આયામ દર્શન”
• “ડૉ. આંબેડકર રાષ્ટ્ર દર્શન” નું વિમોચન થયું છે.
આ ઉપરાંત તેમણે “રાષ્ટ્રપુરુષ બાબાસાહેબ ડૉ. આંબેડકર”, “મહામાનવ બાબાસાહેબ ડૉ. આંબેડકર”, “બાબાસાહેબ ડૉ. આંબેડકરનો વિચાર વૈભવ”, “સામાજિક ક્રાંતિના મહાનાયક બાબાસાહેબ ડૉ. આંબેડકર”, “વિદ્યાર્થીઓ માટે ભારત કા સંવિધાન”, “સામાજિક સમરસતા” અને “સ્વામી વિવેકાનંદ કા યુવા જાગરણ” જેવા મહત્વપૂર્ણ ગ્રંથો આપ્યા છે. તેમણે બાબાસાહેબ પર ૧૧ પુસ્તકો સહિત કુલ મળીને ૪૫થી વધુ પુસ્તકોનું લેખન, અનુવાદ અને સંપાદન કર્યું છે.
તેમનું “Common Man Narendra Modi” પુસ્તક દેશની અનેક ભાષાઓમાં અનુવાદિત થયું છે અને તેના આધારે Eros Now પર વેબસિરીઝ પણ નિર્મિત થઈ છે.
શ્રી કિશોરભાઈ મકવાણા Mission BHIM વેબસાઈટના સ્થાપક છે, જેના માધ્યમથી બાબાસાહેબ ડૉ. આંબેડકરના વિચારો અને ગ્રંથોનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય છે.
હાલમાં તેઓ ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (National Commission for Scheduled Castes), નવી દિલ્હી ખાતે ચેરમેન તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનદર્શનને લેખન, વક્તવ્ય અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાના તેમના અવિરત પ્રયાસોને માન્યતા આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડૉ. આંબેડકર ચેર સેન્ટર દ્વારા તેમને રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત “ભીમરત્ન એવોર્ડ” અર્પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારને ગર્વ છે કે આવા પ્રખર વિચારક, લેખક અને સમાજપ્રેરક વ્યક્તિને આ સન્માન અર્પણ કરવાની તક પ્રાપ્ત થઈ છે.
આ બેઠકમાં વિષય નિષ્ણાત તરીકે ‘ભીમરત્ન’ પ્રો. નાથાલાલ ગોહિલ, નાયબ નિયામકશ્રી (અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, રાજકોટ)ના પ્રતિનિધિ તરીકે જોઈન્ટ ડાયરેક્ટર શ્રી આનંદબા ખાચર, ચેર સેન્ટરની સલાહકાર સમિતિના પ્રતિનિધિ તરીકે પ્રો. દીપક પટેલ (અધ્યક્ષશ્રી, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), યુનિવર્સિટીના કુલસચિવશ્રી ગઢવી સાહેબ તથા ડૉ. આંબેડકર ચેર સેન્ટરના ચેરમેન પ્રો. રાજાભાઈ કાથડ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર બેઠકનું સંયોજન ડૉ. આંબેડકર ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિભાઈ બી. ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું