સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાયબ્રેરી દ્વારા ભારતના ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા ડૉ. શિયાળી રામામૃત રંગનાથનની જન્મજયંતિ નિમિત્તે તા. 12 ઓગસ્ટ 2026ના રોજ વિશેષ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. રંગનાથનની જન્મજયંતિને દર વર્ષે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડૉ. એસ. આર. રંગનાથનનો જન્મ તા. 12 ઓગસ્ટ 1892ના રોજ શિયાળી, તમિલનાડુ ખાતે થયો હતો. મૂળભૂત રીતે ગણિતશાસ્ત્રના અભ્યાસુ એવા ડૉ. રંગનાથને તેમના ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ નિયમો (Five Laws of Library Science), કોલન વર્ગીકરણ પદ્ધતિ (Colon Classification) અને ક્લાસિફાઇડ કેટલોગ કોડ (Classified Catalogue Code) દ્વારા ગ્રંથાલય તથા માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું હતું. ભારતમાં ગ્રંથાલય વ્યવસ્થા અને ગ્રંથાલય કાયદાના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
પુસ્તક પ્રદર્શનમાં ગ્રંથાલય વિજ્ઞાન, વર્ગીકરણ, સૂચીકરણ અને જ્ઞાન સંગઠન જેવા વિષયો સાથે સંબંધિત વિવિધ પુસ્તકો, સામયિકો અને સંદર્ભ સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપરાંત, ડૉ. રંગનાથન દ્વારા લખાયેલાં વિવિધ પુસ્તકો અને સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને વિવિધ વિષયોના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી અન્ય વિષયોના પુસ્તકો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પ્રદર્શન દરમિયાન ડૉ. રંગનાથનના જીવન અને તેમના ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ નિયમો અંગેનું માહિતીપ્રદ પેનલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું:
-
પુસ્તકો ઉપયોગ માટે છે.
-
દરેક વાચકને તેનું પુસ્તક.
-
દરેક પુસ્તકને તેનો વાચક.
-
વાચકનો સમય બચાવો.
-
ગ્રંથાલય એક વિકસતું સજીવ અંગ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ સમગ્ર દિવસ દરમિયાન સેન્ટ્રલ લાયબ્રેરીની મુલાકાત લઈ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું અને વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું. અનેક વિદ્યાર્થીઓએ પ્રદર્શિત પુસ્તકોની માહિતી મેળવી, પુસ્તકો વાંચવા માટે પસંદ કર્યા તથા આ પહેલને આવકારી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકગણ અને ગ્રંથાલયના કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યુનિવર્સિટીના ગ્રંથપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં પણ ડૉ. રંગનાથનના ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ નિયમો એટલાં જ પ્રસ્તુત અને મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં ઉપલબ્ધ વિવિધ સંસાધનોનો નિયમિત ઉપયોગ કરવા તેમજ વાંચનની ટેવ વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સક્રિય ભાગીદારી સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.