સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાતે IPR વિષયક મૂટ કોર્ટ
"ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026" નું આયોજન
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સંચાલિત SPRIHA યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન તથા DPIIT IPR Chairના સંયુક્ત ઉપક્રમે બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) વિષયક રાષ્ટ્રીય કક્ષાની મૂટ કોર્ટ સ્પર્ધા “ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026”નું આયોજન આગામી 5 ઓગસ્ટ, 2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
આ પ્રથમ સંસ્કરણમાં ગુજરાતભરની વિવિધ લૉ કોલેજોની કુલ 14 ટીમો એ ભાગ લીધો, જેમાં મેમોરિયલ મૂલ્યાંકનના આધારે 8 ટીમોને સ્પર્ધાના મૌખિક રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી છે. મૂટ કોર્ટ એ કાયદાના વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક અદાલતી કાર્યવાહીની સમાન શૈક્ષણિક પ્રક્રિયા છે, જેમાં વિદ્યાર્થીઓ કાલ્પનિક કેસના વકીલ તરીકે કાનૂની સંશોધન, મેમોરિયલ તૈયાર કરી અને ન્યાયાધીશો સમક્ષ દલીલો રજૂ કરે છે.
સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવા સમકાલીન IPR મુદ્દાઓ અંગે વ્યવહારુ સમજ, કાનૂની તર્કશક્તિ, સંશોધનક્ષમતા અને એડવોકસી કૌશલ્યનો વિકાસ કરવાનો છે. પ્રથમ રાઉન્ડમાં વરિષ્ઠ એડવોકેટ શ્રી અમન સોરટિયા, એડવોકેટ શ્રી દર્શિત આહિયા, એડવોકેટ શ્રી જય જસાણી અને એડવોકેટ શ્રી કલ્પેશ દવડા ન્યાયાધીશ તરીકે ઉપસ્થિત રહેશે અને તેમની સમક્ષ સ્પર્ધકો પોતાની દલીલો રજૂ કરી હતી. ત્યારબાદ પસંદ થયેલી ટીમો ડબલ બેન્ચ સમક્ષ સ્પર્ધા કરશે.
અંતિમ રાઉન્ડમાં ટોચની બે ટીમો ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશશ્રી ડૉ. જસ્ટિસ એ. પી.ઠાકર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિશ્રી પ્રો.ડૉ.કમલેશ જોશીપુરા સમક્ષ પોતાની અંતિમ દલીલો રજૂ કરી હતી. સ્પર્ધામાં વિજેતા ટીમને ₹10,000, ઉપવિજેતા ટીમને ₹5,000 તેમજ શ્રેષ્ઠ મેમોરિયલ માટે ₹1,500નું ઇનામ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. ઉત્પલ જોશીના માર્ગદર્શન તથા કુલસચિવ ડૉ.એ.કે.જાડેજાના સહયોગથી સમાજકાર્ય ભવન અને DPIIT IPR Chair દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંકલન ડૉ. મહેશ જીવાણી, ડૉ. રાજેશ દવે, ડૉ. મિનલ રાવલ, ડૉ. વિમલ પરમાર તથા પાર્થ સેજપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં એડવાઈઝરી કમિટીના સભ્યો તરીકે ડૉ. અરુંધતી દાસાણી, ડૉ. પૂર્વી સોનેજી, મિસ ઉર્વીશા શાહ તથા એડવોકેટ સાગર બાવરીયાએ માર્ગદર્શન અને સલાહકાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ અને માનવ અધિકાર ભવનનાં વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક સંપદા અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવા, IPR સંબંધિત કાનૂની જ્ઞાનને પ્રોત્સાહન આપવા તથા તેમને ભાવિ કાનૂની વ્યવસાય માટે વધુ સક્ષમ અને સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.